ટેરવાં
મારાં ટેરવાં
આખો દિવસ
કાચના એક લંબચોરસ પર
સરકતાં રહે છે.
હજાર ચહેરા,
હજાર સમાચાર,
હજાર ‘લાઈક’.
પણ ગઈ કાલે
બાના માથામાં તેલ ઘસતાં
ટેરવાંએ કંઈક અલગ અનુભવ્યું —
પાતળા થયેલા વાળ,
ને એની નીચે
ધીમી ધીમી ધબકતી
એક આખી જિંદગી.
સ્ક્રીન પર
કશું ગરમ નથી હોતું.
હવે મારાં ટેરવાં
રોજ સાંજે
ફોન મૂકીને
બાનું માથું શોધે છે.
– પરાગ રતનપરા