← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તેં શું કર્યું?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દેશ તો આઝાદ થયો પંચોતેર વરસ પહેલાં,
તેં શું કર્યું, ભાઈ? તેં શું કર્યું?

ઝંડો લહેરાવ્યો તેં ‘સ્ટેટસ’ ઉપર,
દેશભક્તિ ગાઈ તેં ‘રીલ્સ’ના સૂર પર;
રસ્તે પડેલો કચરો જોઈ મોં ફેરવ્યું,
ને ‘સ્વચ્છ ભારત’નું પોસ્ટર શેર કર્યું;
ટ્રાફિકની લાઇન તોડી, બોલ્યો ‘જય હિંદ!’
તેં શું કર્યું, ભાઈ? તેં શું કર્યું?

ચૂંટણીના દિવસે રજા માણી દરિયે,
ને પછી નેતાને ગાળો દીધી ઓટલિયે;
ટેક્સ બચાવવાના સો રસ્તા શોધ્યા,
ને સરકારી રસ્તાના ખાડા ગણી ગોખ્યા;
બધાનો વાંક કાઢ્યો, પોતાનો ન દીઠો,
તેં શું કર્યું, ભાઈ? તેં શું કર્યું?

પરાગ કહે, આઝાદી કોઈ ભેટ નથી,
રોજ રોજ જીવવાની છે એ રીત;
એક ઝાડ વાવ, એક બાળક ભણાવ,
એક સાચો મત, ને એક સાચી પ્રીત;
પછી ગાજે ગગનમાં તિરંગો ગર્વે,
તેં આ કર્યું, ભાઈ! તેં આ કર્યું!

– પરાગ રતનપરા

ગીતવ્યંગ
← પહેલો લેખવર્ષો પછી મળ્યાંઆગલો લેખ →નથી બાકી