← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તીર્થ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચારધામ ગયો.
કાશી, કેદાર, દ્વારકા…
ઘંટ વગાડ્યા,
દીવા કર્યા,
દાન દીધાં,
લાંબી કતારોમાં
ધક્કા ખાધા.

પાછો આવ્યો ત્યારે
બાએ ઉંબરે ઊભા રહીને
એટલું જ પૂછ્યું:
‘થાકી ગયો હોઈશ, બેટા.
જમ્યો?’

ત્યારે
પહેલી વાર
ઘંટ
મારી અંદર વાગ્યો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખખોવાયેલું ગીતઆગલો લેખ →છેડ ના