તીર છે
હોઠ પર આવી ન શકતી, મૂક પ્રીતો તીર છે,
ને જમાનાએ ઘડેલી એ જ રીતો તીર છે.
યુદ્ધમાં જીતી ગયા, ઝંડા ફરકતા ગામમાં,
જોઈ માનાં આંસુ, લાગે સર્વ જીતો તીર છે.
એક ઘરમાં બે જણાં, ને બેઉ મૂંગાં રોજ, ત્યાં
મૌન થઈ ઊભી થયેલી બંધ ભીંતો તીર છે.
જે ગળે ભેટે અને પીઠે છુપાવે છે છરી,
એ ખરા મિત્રો નહીં, એ દંભ-મીતો તીર છે.
આ પરાગે ફૂલ જાણીને લખેલાં ગીત, પણ
કોઈને વાગી ગયાં ત્યાં, એ જ ગીતો તીર છે.
– પરાગ રતનપરા
#ગઝલ #પીડા #મૌન #દગો #યુદ્ધ #પરાગરતનપરા
#GujaratiGhazal #WoundingWords #SilentPain #Betrayal #CostOfWar #ParagRatanpara