ટેબલ ઉપર
વર્ષથી પડતર પડી છે માગણી ટેબલ ઉપર,
ને પડી છે ધૂળમાં સૌ લાગણી ટેબલ ઉપર.
ખેડુએ અરજી કરી’તી: ‘બીજ આપો’, ત્યાં લગી
મેઘ વરસી ને ગયો, પણ વાવણી ટેબલ ઉપર.
પાંચસોની નોટ જોતાં દોડતી થઈ ફાઇલો,
કાયદાની તો પડી છે ચાળણી ટેબલ ઉપર.
ચાર વર્ષો થઈ ગયાં, ડોશી હજી આશા કરે,
સાવ ધોળી, શોકની એ ઓઢણી ટેબલ ઉપર.
મેંય અરજી બાગ માટે મોકલી’તી, ઓ ‘પરાગ’,
બાગ સૂકો થઈ ગયો, ને રોપણી ટેબલ ઉપર.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #સરકારીતંત્ર #લાલફીતાશાહી #ભ્રષ્ટાચાર #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Bureaucracy #RedTape #Corruption #ParagRatanpara