જો ગમે
લે, તને આ ગાઈ દીધું એક ગાણું, જો ગમે,
આ નવું ઊગ્યું ગગનમાં તો વહાણું, જો ગમે.
થાળમાં છપ્પન નથી, બસ રોટલો ને છાશ છે,
પ્રેમનું આ પીરસું હું એક ભાણું, જો ગમે.
ના મળે સોનું ય ચાંદી, ના મળે હીરા અહીં,
આંખથી મોતી સરે, બસ એ જ નાણું, જો ગમે.
કોઈ પૂછે ‘કોણ છે તું?’ તો કહું શું? છું અકળ,
તું ઉકેલી લે મને, હું છું ઉખાણું, જો ગમે.
ફૂલ ખીલ્યું છે, હવા આવી, ‘પરાગે’ ઊડવું,
મ્હેકવાનું આ જ સાચું, એક ટાણું, જો ગમે.
– પરાગ રતનપરા
#ગઝલ #સાદગી #પ્રેમનીભેટ #નમ્રતા #ગીત #પરાગરતનપરા
#GujaratiGhazal #HumbleOffering #SimpleJoys #GiftOfLove #Humility #ParagRatanpara