તસવીર
ગાલ ગોરા, આંખ મોટી, વાહ! શી તસવીર છે!
આયનો બોલ્યો: ‘અરે, આ કોઈ બીજો પીર છે!’
જ્યોતિષી પણ ફોનમાં ફોટો મગાવે હાથનો,
ફિલ્ટરે રેખા સુધારી, ભાખતો તકદીર છે.
એક પણ ‘લાઇક’ ઘટે તો ઊંઘ પણ આવે નહીં,
ડોક પર પણ લાઇકોની કેમ આ જંજીર છે?
ઘાટ પર ‘સેલ્ફી’ મહીં ડૂબી ગયાં સૌ ભાવિકો,
પીઠ પાછળ સાદ દેતું એકલું આ નીર છે.
ફૂલને ફિલ્ટર કરો, રંગો ચડે, પણ ઓ ‘પરાગ’,
મ્હેકને કોણે મઢી? એ મ્હેક સાચું હીર છે.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #સેલ્ફી #ફિલ્ટર #સોશિયલમીડિયા #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #SelfieCulture #FilteredLives #SocialMedia #ParagRatanpara