હજી ગમે છે તું
ચશ્માં તારાં ધૂંધળાં ને ધોળા મારા વાળ,
તોય સખી, હજી ગમે છે તારી ધીમી ચાલ.
સાઠ વરસનો સંગ આપણો, સાઠ વરસની વાત,
તેં મારી ખાંસી સાંભળી, ને મેં તારી રાત;
દવા-ગોળીના ડબ્બામાં પણ સાચવી રાખ્યું વહાલ…
તોય સખી…
કોઈ ન આવે ઘેર હવે, ને ફોન ન રણકે ઝાઝો,
તોય તું ચાની સાથે મૂકે ગાંઠિયો એક તાજો;
ઝૂલે બેસી બેઉ ગણીએ સાંજ, સવાર ને કાલ…
તોય સખી…
પરાગ કહે: જુવાનીમાં તો સૌ કોઈ પ્રેમ કરે,
ઘડપણમાં જે હાથ ન છોડે, એ જ સાચું તરે;
તારી કરચલીઓમાં વાંચું આખો જીવનકાળ…
તોય સખી…
– પરાગ રતનપરા