તરણેતરનો મેળો
તરણેતરના મેળે હાલી, ઓઢી લીલી ચૂંદડી,
ભરત ભરેલી છત્રી જોઈ, હૈયે ઊઠી ઊર્મિ ઊંડી.
ઢોલ વાગે, શરણાઈ ગાજે, ઘૂમે રાસે ગોવાળ,
પાવા વાગે, ઘૂઘરા બોલે, નાચે આખું પાંચાળ;
કોઈ છોગાળો નજરે ચડ્યો, હું તો થઈ ગઈ ગાંડી-ઘેલુડી…
તરણેતરના મેળે હાલી…
ચકડોળે બેઠી ને ચકરાયું આખું આભ ને ગામ,
એણે પૂછ્યું ‘ક્યાંની તું?’, મેં કીધું ‘ના પૂછો નામ’;
બંગડી લીધી લાલ ને પીળી, વીંટી લીધી રૂડી…
તરણેતરના મેળે હાલી…
પરાગ કહે: આ મેળો તો ત્રણ દી’નો, પછી સૂનો ઘાટ,
પણ જે આંખ મળી'તી ત્યાં, એ જોશે આખી વાટ;
આવતે વરસે આવજે, છોગાળા, લઈ આવજે ઘોડી…
તરણેતરના મેળે હાલી, ઓઢી લીલી ચૂંદડી.
– પરાગ રતનપરા