← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તરણા ઓથે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઝીણા તરણાની ઓથે ઊભો રે, મારો હરિ કોઈ ના ભાળે,
મોટા મંદિરે શોધે સૌ, ને એ તો ઝૂલે ડાળે ડાળે.

કીડીની હારે હાલે, ને ચકલીની ચાંચે ચણે,
ગાયના ધણમાં ભાંભરે, ને ઝરણાંના ગીતે ગણે;
ઘંટ વગાડો ભલે ને ઝાઝા, એ તો વસે ઝીણે તાળે…
ઝીણા તરણાની…

ભૂખ્યાની આંતરડીમાં એ, ને માના ધાવણમાં એ,
ખેડુના પરસેવે ટપકે, ને બાળકના રુદનમાં એ;
આંખે પડળ પડ્યાં છે, ભાઈ, તો ડુંગર ક્યાંથી ભાળે?…
ઝીણા તરણાની…

પરાગ કહે: આ પડદો ઝીણો, તરણા જેવો પાતળો,
‘હું’ પણાનો એક જ ફૂંકે ઊડે, તો દેખાય સાંવળો;
તરણું ખસ્યું ને ડુંગર દીઠો, હરિ હસે અજવાળે…
ઝીણા તરણાની…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખવિદાયવેળાઆગલો લેખ →ટીપે ટીપે