ટપાલી
ટપાલી રે ટપાલી, તારી થેલીમાં શું શું?
કોઈની રાખડી, કોઈનાં આંસુ, કોઈનું હસતું મુખ શું?
ખાખી કપડાં, સાઇકલની ઘંટડી, આવે ગામને પાદર,
ગામ આખું ઊભું થઈ જાય, આપે એને આદર;
કોઈ દીકરી દોડી આવે: ‘મારો કાગળ છે કે નહીં શું?’
ટપાલી રે ટપાલી…
હવે મોબાઇલમાં મેસેજ આવે: ‘ઓકે’, ‘હાય’ ને ‘બાય’,
પણ એ અક્ષર ક્યાં કે જેમાં માનું હૈયું ગાય?
હાથે લખેલા કાગળ જેવું ક્યાંય મળે છે સુખ શું?
ટપાલી રે ટપાલી…
પરાગ કહે: એક કાગળ લખજે, ધીમે ધીમે, હાથે,
એ કાગળમાં ધબકારા મોકલજે શાહીની સાથે;
વાંચનારાની આંખ ભીંજાય, એથી મોટું સુખ શું?
ટપાલી રે ટપાલી…
– પરાગ રતનપરા