ઝુરાપો
પરદેશની ધરતી પર મારું મન ના લાગે રે,
રાત પડે ને ગામની ગલીઓ સપનામાં જાગે રે.
અહીં બરફ પડે છે ધોળો ધોળો, ત્યાં તડકો હસતો હશે,
અહીં ડૉલર ગણું છું રાતદિ, ત્યાં બા કાગડો ગણતી હશે;
કાગડો બોલે ને બાને મારા આવવાનો વહેમ લાગે રે…
પરદેશની ધરતી પર…
અહીં ફ્રીઝમાં બધું ઠંડું ઠંડું, ત્યાં ચૂલે રોટલો ગરમ,
અહીં સૌ મળે છે ‘હાય’ કહીને, ત્યાં ‘જય શ્રીકૃષ્ણ’નો મરમ;
મંદિરની ઝાલર સાંભળવા આ જીવ મારો ભાગે રે…
પરદેશની ધરતી પર…
પરાગ કહે: ઊડી આવ્યો હું દરિયાપાર પવન સંગાથે,
પણ મૂળ તો રહી ગયાં ગામમાં, તુલસીક્યારાની સાથે;
ફૂલ અહીં ખીલે, પણ ખુશ્બૂ ઘરની માટી માગે રે…
પરદેશની ધરતી પર…
– પરાગ રતનપરા