તને મારા સમ
વ્હાલમ, તને મારા સમ, જરી રોકાઈ જા,
ઊગતા સૂરજ લગી આ ઓસરીએ ગાઈ જા.
દીવો ઠરવાની વાટ જોઉં ને રાત ઢળે છે ધીમી,
ચાંદો પણ ઝરૂખે બેઠો, બોલે છે કંઈ ઝીણી;
એક જ ઘડી તો આંખે બેસી, સપનું થઈ સમાઈ જા…
વ્હાલમ, તને મારા સમ…
કાલે તું પરદેશ જવાનો, ગાડી વહેલી ઊપડે,
ઘરનાં સૌ સૂતાં, પણ મારું હૈયું ધક ધક ધડકે;
થેલામાં મૂકું છું અથાણું, ને તું મારામાં ભરાઈ જા…
વ્હાલમ, તને મારા સમ…
પરાગ કહે: આ સમ તો ઝીણો રેશમનો તાંતણો,
તોડે તો પણ જોડે ગાંઠે, એવો છે આ આપણો;
ગામ વટાવી જાય તો ભલે, મનમાં તો રોકાઈ જા…
વ્હાલમ, તને મારા સમ…
– પરાગ રતનપરા