તળ
મેં કદી
પાંખો નથી માગી,
ઊંચાઈ નથી માગી.
માગ્યું તો બસ
થોડું તળ —
જ્યાં
કૂવાની જેમ
ઊંડે ઊંડે
ઠંડું પાણી સંઘરી શકું.
આ જમાનો
સપાટી પર તરે છે:
લાઇક, શેર, ફૉલોઅર —
કાગળની હોડીઓ જેવા હલકા.
હું
કૂવો થવા માગું છું —
કોઈ તરસ્યું
દોરડું લંબાવે,
તો એની ખાલી ડોલ
ખાલી પાછી ન જાય.
– પરાગ રતનપરા