ટહુકો ક્યાં ગયો
કોયલ, તારો ટહુકો મેલી ગઈ તું કયે ઝાડ?
શહેર વચાળે શોધું તને, ઊભા સિમેન્ટના પહાડ.
આંબો કાપી મૉલ બન્યો, ને મૉલમાં ગૂંજે ગીત,
સ્પીકરમાં કોયલ ટહુકે, ઓ રે કેવી રીત!
બાળક પૂછે: ‘કોયલ કેવી?’ બતાવું ફોને ઝાડ…
કોયલ, તારો…
મામાને ઘેર વૈશાખે આંબે ઝૂલતી કેરી,
ટહુકો સાંભળી જાગી જાતી આખી ગામની શેરી;
હવે એલાર્મ ચીસો પાડે, ઊંઘ પડે જ્યાં ધાડ…
કોયલ, તારો…
પરાગ કહે: ચાલ, એક આંબો વાવીએ આ અગાસે,
કોયલ તો પાછી આવશે, જો ઝાડ મળે એને પાસે;
ટહુકો ક્યાંય ગયો નથી, બસ આપણે કાપી વાડ…
કોયલ, તારો…
– પરાગ રતનપરા