← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બોલશે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જે દબાવ્યું સત્ય, એની વાત માટી બોલશે,
મૌન તોડીને, તિરાડે ભીંત ફાટી બોલશે.

જે અવાજો ચૂપ કીધા તોપ ને બંદૂકથી,
ચીસ થીજી જે બરફમાં, એ ય ઘાટી બોલશે.

દીકરીને ના ભણાવી, ઢોર ચારે છે હજી,
કોઈ દી ખૂણે પડેલી એ જ પાટી બોલશે.

‘ભૂખ ક્યાં છે?’ તંત્ર બોલે, ‘દેશ આખો તૃપ્ત છે,’
થાળ એંઠો શ્વાન સાથે ભૂખ ચાટી બોલશે.

આ પરાગે શબ્દ વાવ્યા, ને ગયો એ ધૂળમાં,
ફૂલ થઈ ઊગી, બધી એ વાત દાટી બોલશે.

– પરાગ રતનપરા

#ગઝલ #સત્ય #ન્યાય #મૌન #સમાજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Truth #Justice #SilencedVoices #SocialConscience #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખલગનમાંઆગલો લેખ →ટહુકો ક્યાં ગયો