તારું નામ લઈ
કોઈ આવ્યું તારું નામ લઈ, ને મારું આંગણું મ્હોર્યું રે,
સૂકી ડાળે કૂંપળ ફૂટી, મન મોગરા શું ફોર્યું રે.
ન તો ચિઠ્ઠી, ન તો સંદેશો, ન તો કોઈ નિશાની,
એક જ નામ સાંભળ્યું ત્યાં તો થઈ ગઈ હું દીવાની;
પાણિયારે ગાગર ઢોળાણી, સપનું કોઈએ દોર્યું રે…
કોઈ આવ્યું તારું નામ લઈ…
નામ તારું એવું મીઠું, જાણે મધની પોળી,
હોઠે લાવું ત્યાં તો ગાલે ઊગી જાય રંગોળી;
સખીઓ પૂછે: ‘શું થયું?’ — હૈયું તંબૂર ઝંકોર્યું રે…
કોઈ આવ્યું તારું નામ લઈ…
પરાગ કહે: આ નામમાં તો આખો જનમ સમાયો,
પ્રાણ લઈ ઊભી છું, ક્યારે મળશે તારો પડછાયો?
તારું નામ જ દીવો થઈને અંધારું સૌ ચોર્યું રે…
કોઈ આવ્યું તારું નામ લઈ…
– પરાગ રતનપરા