તારો હશે
લાખ તારા છે ગગનમાં, એક તો મારો હશે,
હોય ઝાંખો તો ય એ તો આભમાં ન્યારો હશે.
પૂછતું બાળક, ‘ગયા દાદા કહો ક્યાં?’ મા કહે:
‘રાતભર જે જાગતો, એ આજથી તારો હશે.’
કુંડળીમાં રોજ જોષી ગ્રહ નવા શોધી કહે:
‘દક્ષિણા આપો, પછી દિન આવતો સારો હશે.’
રોજ ખરતા કોઈ તારા જોઈને લાગે મને,
આખરે તો આપણો પણ ક્યાંક તો વારો હશે.
આ પરાગે ગંધ વાવી છે ગગનના ખેતરે,
ફૂલ જેવો ખીલશે જે, એ જ તો પ્યારો હશે.
– પરાગ રતનપરા
#ગઝલ #તારા #આકાશ #દાદા #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Stars #NightSky #Grandfather #Remembrance #ParagRatanpara