તારીખ
આપણે
પહેલી વાર મળ્યાં
એ તારીખ
મને યાદ નથી.
છેલ્લી વાર મળ્યાં
એ તારીખ
પણ
યાદ નથી.
વચ્ચેનાં
બધાં વર્ષો
એક જ દિવસ જેવાં લાગે છે —
સવારે
તારી ચાની વરાળ,
બપોરે
તારું ‘જમી લીધું?’,
સાંજે
બારીમાંથી
રસ્તો જોતી
તારી આંખ.
સમય
કેલેન્ડરમાં
પાનાં ફાડતો રહ્યો.
પ્રેમ
એ જ
એક પાના પર
અટકી રહ્યો —
જેની
તારીખ
કોઈ કેલેન્ડરમાં
છપાઈ જ નહોતી.
– પરાગ રતનપરા