← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તારે ઘેર દિવાળી?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારે ઘેર તો દીવો નથી, તારે ઘેર દિવાળી?
ફટાકડાના અવાજે તો ભૂખ ન જાય ટાળી.

માએ ઉધાર તેલ લીધું, રોટલો ઘડવા કાજ,
દીવો કરવો કે ચૂલો સળગે? એવો મોટો સવાલ આજ;
અંતે ચૂલો સળગાવ્યો, ને કોડિયું રહ્યું ખાલી…
મારે ઘેર તો દીવો…

તારો ફટાકડો ઊડ્યો, ને મારે આંગણે પડ્યો,
અડધો બળેલો તણખો મારા બાળે હરખે ઝડપ્યો;
એ જ અમારી દિવાળી, એ જ અમારી થાળી…
મારે ઘેર તો દીવો…

પરાગ કહે: એક દીવો તારો જો મારે ઘેર આવે,
તો તારી દિવાળી બમણી, ને લક્ષ્મી હરખે ભાવે;
દિવાળી ત્યારે સાચી, જ્યારે આખી શેરી અજવાળી…
મારે ઘેર તો દીવો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઆંસુઆગલો લેખ →ઇબાદત