તારા વિના
સાવ સૂનો લાગતો આ ઓરડો તારા વિના,
ને ઝરૂખે મૂંઝવાતો દીવડો તારા વિના.
આંગણાનો લીમડો પણ શોક પાળે છે હવે,
ક્યાં હવે પ્હેલાં સમો દે છાંયડો તારા વિના.
મ્હેલ જેવું ઘર હતું, તું હોય ત્યારે, ઓ સખી,
આજ લાગે ભાંગલો આ ઝૂંપડો તારા વિના.
સાથ તારો હોય તો હું રાજવી લાગું મને,
જીવ મારો થાય છે આ રાંકડો તારા વિના.
આ પરાગે ગંધ ખોવી, ને પરોઢે આ ગલી,
બાંગ દેતો પણ નથી આ કૂકડો તારા વિના.
– પરાગ રતનપરા
#ગઝલ #વિરહ #સૂનુંઘર #પ્રેમ #ખાલીપો #પરાગરતનપરા
#GujaratiGhazal #Separation #EmptyHome #MissingYou #Longing #ParagRatanpara