તાપી મૈયા
તાપી મૈયા, શીદ રિસાણી, ઘરમાં પેઠાં પાણી?
સૂરતની આ સોનાની નગરી તેં કાદવમાં તાણી!
રાંદેર ડૂબ્યું, અડાજણ ડૂબ્યું, ડૂબ્યાં ચૌટાં-બજાર,
ઘારી, લોચો, ઊંધિયાની ખુશબો ગઈ દરિયાપાર;
મેડે ચડીને માણસ બેઠાં, આંખે ભૂખ ને પાણી…
તાપી મૈયા, શીદ રિસાણી…
પાણી ઊતર્યાં, કાદવ રહ્યો, પણ સૂરતી ના હાર્યા,
એકબીજાને ખભે ઉપાડી, સૌએ ઘર ઉગાર્યાં;
ફરી મંડાયો જમણવાર, ને હસતી થઈ કહાણી…
તાપી મૈયા, શીદ રિસાણી…
પરાગ કહે: તું મા છે, તાપી, ક્યારેક કડવી થાતી,
પણ સૂરતની સવાર તો તારા કાંઠે જ ગાતી;
ગુસ્સો તારો, પ્રેમ અમારો, આ જ જૂની વાણી…
તાપી મૈયા, શીદ રિસાણી…
– પરાગ રતનપરા