નદી જેવી નારી
એ તો નદી જેવી નારી રે, વહેતી રહે ચુપચાપ,
કાંઠે કાંઠે લીલું ઉગાડે, ભીતર સહે સૌ તાપ.
સવારે ઊઠી ચૂલો પેટાવે, સૌથી પહેલાં જાગે,
છેલ્લે સૂએ, તોય સપનામાં ઘરનો હિસાબ માગે;
એના થાકનું ક્યાંય ન નોંધ્યું કોઈ ચોપડે માપ…
એ તો નદી જેવી નારી રે…
દીકરી થઈને બાપની આંખ્યું, બેન થઈને રાખડી,
મા થઈને એ છાંયો આપે, પત્ની થઈને લાકડી;
ક્યારેક દુર્ગા, ક્યારેક મીરાં, ક્યારેક શાંત જાપ…
એ તો નદી જેવી નારી રે…
પરાગ કહે: એને સમજવા ગ્રંથો કેટલા લખાયા,
એક જ સ્મિતમાં એણે કહ્યું, એ ગ્રંથે ના સમજાયા;
એ હસે તો ઘર ઝળહળે, ને એનું મૌન અમાપ…
એ તો નદી જેવી નારી રે…
– પરાગ રતનપરા