ટાંકા
ડૉક્ટરે કહ્યું:
‘ઘા રુઝાઈ ગયો છે,
હવે ટાંકા કાઢી નાખીએ.’
મેં ના પાડી.
એ ઘા
એણે આપેલો છેલ્લો સ્પર્શ હતો —
તીર જેવો તીક્ષ્ણ,
ને તોય
મલમ જેવો મીઠો.
ટાંકા નીકળી જશે
તો ચામડી પાછી
પહેલાં જેવી સુંવાળી થઈ જશે,
જાણે
કશું થયું જ નહોતું.
ડૉક્ટર,
કેટલાક ઘા
રુઝાઈ જાય
એ જ
સૌથી મોટો ઘા છે.
– પરાગ રતનપરા