સ્વપ્નમાં
કોઈ આવી રાતના ને એમ બોલી સ્વપ્નમાં,
બંધ વરસોથી હતું, એ દ્વાર ખોલી સ્વપ્નમાં.
દીકરી નાની હજી, ને ઢીંગલીથી ખેલતી,
બાપ ડરતો રોજ, જોતો લાલ ડોલી સ્વપ્નમાં.
દેશ છોડ્યે વર્ષ વીત્યાં, તાલ ભૂલ્યો, ગીત પણ,
તોય રાતે તાલ દે છે ગામ-ઢોલી સ્વપ્નમાં.
જાગતાં જેને ગણી’તી મેં સદા મૂડી બધી,
માનની મોટી હવેલી, સાવ પોલી સ્વપ્નમાં.
જાગતાં સોનું સદા ભારે હતું, પણ ઓ ‘પરાગ’,
ફૂલ ભારે થઈ ગયું, જ્યાં સાથ તોલી સ્વપ્નમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #સપનું #સ્મૃતિ #દીકરી #વતન #પરાગરતનપરા
#GujaratiGhazal #Dreams #Memories #Daughter #Homeland #ParagRatanpara