સ્વાદ ના
ના હસું હું, ના રડું, ને હોઠ પર ફરિયાદ ના,
જિંદગી એવી ઠરી, કે કોઈની પણ યાદ ના.
કોઈ આવે, કોઈ જાયે, બારણું ખુલ્લું રહે,
કોઈ પગલાંનો હવે આ આંગણે તો સાદ ના.
ભાવતી થાળી ધરી બાએ ફરીથી પ્રેમથી,
કોળિયા ગળતો ગયો, પણ એકમાંયે સ્વાદ ના.
મેં ગઝલ જ્યાં ગાઈ, ત્યાં તાળી પડી આખી સભા,
ખૂબ ગમ: ભીતર થકી એકેય ઊઠી દાદ ના.
આ ‘પરાગે’ જોઈ લીધો બાગ મ્હોરેલો, છતાં
ડાળ પર ગુંજન કરે, એવો ભ્રમરનો નાદ ના.
– પરાગ રતનપરા
#ગઝલ #ખાલીપો #ઉદાસી #સંવેદનહીનતા #એકલતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Numbness #Emptiness #Melancholy #InnerVoid #ParagRatanpara