પરદેશી સાયબો
સાયબો ગ્યો પરદેશ, ને મારું તળાવ સુકાય રે,
પાળે બેઠી વાટ જોઉં, પડછાયો લંબાય રે.
કમળ ખીલ્યાં’તાં જે દિ’ એણે વેણીમાં ફૂલ ગૂંથ્યું’તું,
આજે પાણી ભરવા જાઉં, તો બેડું પણ રૂઠ્યું’તું;
કાંઠે કાંઠે કાગ બોલે, ને જીવ મારો મૂંઝાય રે…
સાયબો ગ્યો પરદેશ…
કાગળમાં લખે ‘રાજી છું’, ને મોકલે નોટો ઝાઝી,
નોટે ક્યાંથી ભરાય તળાવ? કેમ થાઉં હું રાજી?
પાળ ઉપરનો પીપળો મારી સાથે ઝૂર્યો જાય રે…
સાયબો ગ્યો પરદેશ…
પરાગ કહે: પરદેશે ડૉલર, દેશે ઝૂરતી નાર,
તળાવ ભરાય મેઘરાજાથી, નાર ભરાય ભરથાર;
પાછો વળજે સાયબા, આ પાળ તૂટી ના જાય રે…
સાયબો ગ્યો પરદેશ…
– પરાગ રતનપરા