સુખ મહેમાન
સુખ તો મહેમાન, ભઈ, બે ઘડી આવે ને જાય,
દુઃખ તો ઘરનું માણસ, રોજ ચૂલે બેસી ખાય.
સુખ આવે તો તોરણ બાંધું, લાપસી ને કંસાર,
ફોટા પાડું, ઢોલ વગાડું, ઊજવું આખો વાર;
સવારે જોઉં તો સુખની ગાડી સ્ટેશન છોડી જાય…
સુખ તો મહેમાન…
દુઃખ તો આવી ખાટલે બેસે, ખોંખારો ખાય,
બાળકને ખોળે રમાડે, વાસણ પણ ધોવાય;
ઘરનો થઈને રહે, ને જાતાં જાતાં ય ન જાય…
સુખ તો મહેમાન…
પરાગ કહે: બેઉને આપો સરખો આદર-માન,
એક શીખવે હસવાનું, બીજું આપે જ્ઞાન;
બંને મળીને જીવતરનું આ ગીત પૂરું થાય…
સુખ તો મહેમાન…
– પરાગ રતનપરા