સુકાયેલી નદી
ગામની નદી
હવે ક્રિકેટનું મેદાન છે.
છોકરાં
રેતીમાં સ્ટમ્પ ખોડે છે;
ચોગ્ગો વાગે
તો દડો
જૂના ઘાટનાં પગથિયાં સુધી
દડતો જાય છે —
જ્યાં ક્યારેક
અષાઢી મેળો ભરાતો.
દાદા ઓટલે બેઠા
કહે છે:
‘અહીં એક વાર પૂર આવ્યું’તું,
આ લીમડા સુધી પાણી!’
છોકરાં હસે છે,
માનતાં નથી.
નદી પણ
હવે માનતી નથી
કે એ ક્યારેક
નદી હતી.
– પરાગ રતનપરા