સ્ટેશન પર
ત્રીસ વરસે
એ સ્ટેશન પર મળી.
હાથમાં થેલી,
વાળમાં ચાંદી,
આંખમાં એ જ
અધૂરું વાક્ય.
ભીડ હતી,
ગાડીની વ્હિસલ હતી,
ને વચ્ચે અમે બે
બે થાંભલા જેવાં ઊભાં.
એણે પૂછ્યું: ‘કેમ છો?’
મેં કહ્યું: ‘મજામાં.’
ત્રીસ વરસ
આ બે શબ્દોમાં
આરામથી સમાઈ ગયાં —
જેમ જૂની ટ્રંકમાં
આખું બાળપણ
વાળીને મૂકી દીધું હોય.
– પરાગ રતનપરા