સ્તબ્ધ છે
આંગણે ચકલાં ગયાં ક્યાં? ડાળ ડાળી સ્તબ્ધ છે,
ઓસરીમાં બાળપણની એક તાળી સ્તબ્ધ છે.
રોજ દાણા નાખતી'તી બા સવારે ઓટલે,
બા નથી, ચકલાં નથી, ને આજ થાળી સ્તબ્ધ છે.
કાચની ઊંચી ઇમારત, બંધ બારી ચોતરફ,
નીડ ક્યાં બાંધે હવે? એ લોહ-ઝાળી સ્તબ્ધ છે.
ચિત્રમાં ચકલી બતાવી, બાળ બોલ્યું: ‘શું હશે?’
એક કલરવ જ્યાં હતો, એ કૂપ-પાળી સ્તબ્ધ છે.
આ પરાગે એક ચકલી પર લખી છે આ ગઝલ,
શબ્દ સૌ ચીં ચીં કરે, પણ ચીજ વ્હાલી સ્તબ્ધ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #ચકલી #પર્યાવરણ #બાળપણ #ગામડું #પરાગરતનપરા
#GujaratiGhazal #Sparrows #Environment #LostChildhood #Nostalgia #ParagRatanpara