તારા હાથમાં
મારી નાવ તારા હાથમાં, હલેસાં તારા હાથમાં,
દરિયો તારો, કાંઠો તારો, તોફાન તારા હાથમાં.
પંખી ઊડે આભે, એની પાંખ તેં જ આપી,
વૃક્ષ ઊગે ધરતીમાં, એની છાંય તેં જ માપી;
લીલું પાન ખરે કે ખીલે, એ ય તારા હાથમાં…
મારી નાવ તારા હાથમાં…
ગણતરી હું રોજ કરું, ને રોજ બદલે ભાગ્ય,
તું હસીને કહે: ‘ઘેલા, ક્યાં તારું ગણિત લાગ્યું?’
મારું ખાલી કામ ખરું, ફળ તો તારા હાથમાં…
મારી નાવ તારા હાથમાં…
પરાગ કહે: મેં પીંછી ઝાલી, રંગ તો તેં પૂર્યા,
મારા શબ્દો કાચા-પાકા, અર્થ તેં જ ઘૂંટ્યા;
હું તો ખાલી વાંસળી, ને સૂર તારા હાથમાં…
મારી નાવ તારા હાથમાં…
– પરાગ રતનપરા