સ્પર્શમાં
આંગળી તારી અડી, ત્યાં કૈંક જાગ્યું સ્પર્શમાં,
ફૂલ જેવું કોમળું, પણ સાવ વાગ્યું સ્પર્શમાં.
તાવમાં માએ કપાળે હાથ મૂક્યો, ને પછી
રાતભરનું દુઃખ આખું દૂર ભાગ્યું સ્પર્શમાં.
ચૂંટણીમાં હાથ જોડી ગામમાં નેતા ગયા,
વોટ લઈને એમણે સઘળું ય માગ્યું સ્પર્શમાં.
આંખ ના’તી, તોય એણે ઓળખી લીધી પ્રિયા,
ચાંદ જેવું રૂપ એનું, આમ તાગ્યું સ્પર્શમાં.
ફૂલને અડકી ‘પરાગે’ મ્હેક પામી એ ઘડી,
ત્યાં જગત આખું ય મારું એમ લાગ્યું સ્પર્શમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #સ્પર્શ #પ્રેમ #માનોહાથ #અનુભૂતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Touch #FirstTouch #MothersHand #Belonging #ParagRatanpara