ઈશ્વર ક્યાં મળે?
ઈશ્વર ક્યાં મળે, ભાઈ, ઈશ્વર ક્યાં મળે?
ભૂખ્યાને રોટલો દઈએ, ત્યાં જ ઈશ્વર મળે.
મંદિરે ઘંટ વગાડ્યા, ને તીરથ ફર્યા અનેક,
દાન દીધાં ને દીવા કીધા, ખાલી રહ્યું હૈયું છેક;
પાડોશીનું આંસુ લૂછો, ત્યાં જ ઝળહળ ઝળહળે…
ઈશ્વર ક્યાં મળે…
વૃદ્ધ માના પગ દાબો, ને બાપને ધરો લાકડી,
ખેતરે ખેડુ થાકે ત્યાં દઈએ છાશની વાટકી;
કીડીને કણ, પંખીને ચણ, એમાં હરિ હળવે હળે…
ઈશ્વર ક્યાં મળે…
પરાગ કહે: ગોતવા ગયો ને ગોતતાં ખોયો જાત,
ઊભો રહ્યો જ્યાં કોઈ દુખિયાની પાસ, ત્યાં થઈ વાત;
પ્રેમથી જે ઝૂકે, એને પગલે પગલે મળે…
ઈશ્વર ક્યાં મળે…
– પરાગ રતનપરા