← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સૂરજદાદા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઊગો રે ઊગો સૂરજદાદા, ઝળહળ ઝળહળ ઊગો,
રાતનો ઠાર ઉતારો ને મારા ખેતર સુધી પૂગો.

નથી મંદિર, નથી મૂરત, નથી ઘંટ-નગારાં,
ખુલ્લા આભે આરતી ઉતારે પંખીડાં બિચારાં;
ઝાકળનાં મોતી ધરે ધરતી, તમને થાળ ભરીને…
ઊગો રે ઊગો સૂરજદાદા…

તમે ન ઊગો તો ચૂલો ના પેટે, ના મોલ પાકે,
ના ઊઘડે ફૂલની પાંખડી, ના બાળ આંખ ઉઘાડે;
દેવ બધા દેખાય ના, તમે રોજ મળો હસીને…
ઊગો રે ઊગો સૂરજદાદા…

પરાગ કહે: તમે કોઈ ભેદ ન રાખો, રાજા કે રંક,
મહેલે-ઝૂંપડે સરખું વરસો, ના કોઈ ઊંચ-નીચ અંક;
એવું અજવાળું દેજો અમને, જીવીએ સૌને ચહીને…
ઊગો રે ઊગો સૂરજદાદા…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમનનું પંખીઆગલો લેખ →રામનું ખેતર