રામનું ખેતર
ખેતર મારું રામનું રે, હું તો રામનો હાળી,
રામ વાવે, રામ લણે, હું તો ફેરવું ફાળી.
હળ હાંકું ને ગીત ગાઉં, બળદ બેઉ ડોલે,
ધૂળમાંથી ધાન ઊગે, જાણે રામ જ બોલે;
મોલ જોઈને મલકે મારી ઘરવાળી કાળી…
ખેતર મારું રામનું રે…
દુકાળ પડે તો રામનો, ને રેલ આવે તો રામની,
મારે તો બસ મહેનત મારી, ચિંતા ક્યાં છે કામની?
સાંજે ઓટલે બેસી બોલું, રામ રાખે ભાળી…
ખેતર મારું રામનું રે…
પરાગ કહે: જે ‘મારું’ મૂકે, એનું ખેતર મોટું,
ખળે ઢગલો ધાનનો ને હૈયું કદી ના ખોટું;
ચકલાં ચણી જાય તો ભલે, રામે ચણ છે વાળી…
ખેતર મારું રામનું રે…
– પરાગ રતનપરા