← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સૂરજ જેવા બાપુ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બાપુ મારા સૂરજ જેવા, સાંજે મોડા આવે રે,
થાક્યા પાક્યા ખભે અંધારું, તોયે ચોકલેટ લાવે રે.

સવારે ઊગે ઘરથી પહેલા, પાછા આવે મોડા,
મિલના ભૂંગળે ધુમાડે એનાં સપનાં થોડાં થોડાં;
ખિસ્સામાં બે રોટલી ભૂખી, તોય મને ખવડાવે રે…
બાપુ મારા સૂરજ જેવા…

હાથે આંટણ, પગમાં ફોલ્લા, લોઢું થઈ ગ્યું કાંડું,
તોય રાતે ખોળે લઈને ગાતા મીઠું ગાણું;
સૂરજ ઢળે તો ચાંદો થઈને મારાં સપનાં સુવાડે રે…
બાપુ મારા સૂરજ જેવા…

પરાગ કહે: આ સૂરજ જેવા બાપુ ક્યાં કંઈ બોલે?
બળતા રહે ને અજવાળું દે, ના કોઈ ત્રાજવે તોલે;
એક દિવસ હું સૂરજ થઈને એને છાંયે બેસાડું રે…
બાપુ મારા સૂરજ જેવા…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખવેચ્યું નથીઆગલો લેખ →ચકલી પાછી આવી