← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચકલી પાછી આવી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વર્ષો પછી
આજ સવારે
મારી બાલ્કનીમાં
એક ચકલી આવી.

મેં
ચા મૂકવાનું ભૂલી
એને જોયા કરી —
જાણે
કોઈ જૂની મિત્ર
અચાનક
રેલવે સ્ટેશને મળી હોય.

એ
એ.સી.ના ડબ્બા પર બેઠી,
ને
ત્રણ વાર ચીં ચીં કર્યું.
મને લાગ્યું
પૂછતી હોય:
‘તારું આંગણું ક્યાં ગયું?
તારા દાણા ક્યાં ગયા?
તારી બા ક્યાં ગઈ?’

મારી પાસે
કોઈ જવાબ નહોતો.
મેં
એક વાટકીમાં પાણી મૂક્યું,
ને થોડા ચોખા.

હવે
રોજ સવારે
હું
અલાર્મ પહેલાં
જાગી જાઉં છું —
કોઈ
મને ફરી
બોલાવવાનું છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસૂરજ જેવા બાપુઆગલો લેખ →કિરણ