← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સૂનું ગામ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હવા ફરી ફરીને પૂછે, ગામ ક્યાં ગયું રે?
ઝાંપે ઊભો લીમડો રુએ, નામ ક્યાં ગયું રે?

ચોરે બેસતા ડાયરા ગયા, પાદર થયાં સૂનાં,
ખાટલા ખાલી, હુક્કા ઠરેલા, ખોરડાં થયાં જૂનાં;
દીકરા ગયા શ્હેર, ને પાછળ, કામ ક્યાં ગયું રે?
હવા ફરી ફરીને પૂછે…

કૂવે ના કોઈ ગાગર ખખડે, ના પનિહારી ગાય,
મંદિરે એક ઘરડો પૂજારી ઘંટ વગાડી જાય;
સાંજે ઊડતી ગોરજ સાથે, ગાયનું ધામ ક્યાં ગયું રે?
હવા ફરી ફરીને પૂછે…

પરાગ કહે: એક ડોશી હજી ઓસરીએ દીવો મૂકે,
‘દીકરો આવશે દિવાળીએ’ — એ આશ કદી ના ચૂકે;
દીવો બળે છે આખી રાતે, રામ ક્યાં ગયું રે?
હવા ફરી ફરીને પૂછે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખફ્લેટ-નંબરઆગલો લેખ →જુબાની