જુબાની
ચાલતો આવ્યો સદીથી, પણ નિશાની દૂર છે,
જન્મથી વાંચ્યા કરું, પણ આ કહાની દૂર છે.
હાથમાં જ્યાં લાકડી આવી, પછી જાણ્યું, અરે!
રાહ જેની જોઈ'તી, એ તો જવાની દૂર છે.
બેંક ખાતું છે ભરેલું, બંગલો, ગાડી બધું,
તોય કો' સાંજે મળે, એ ચા મજાની દૂર છે.
તીર્થ-તીરથ હું ગયો, ગ્રંથો ઉકેલ્યા સેંકડો,
તોય મીરાં-શી લગનની એ દિવાની દૂર છે.
આ પરાગે જિંદગીની કોર્ટમાં ઊભા રહી,
જે કહેવી'તી, હજી સાચી જુબાની દૂર છે.
– પરાગ રતનપરા
#ગઝલ #જીવનયાત્રા #મુકામ #અધૂરપ #આત્મખોજ #પરાગરતનપરા
#GujaratiGhazal #LifeJourney #DistantDestination #Incompleteness #SelfQuest #ParagRatanpara