સૂકું ગુલમહોર
હા, સ્વીકારું છું —
મેં તારો પત્ર
વર્ષો સુધી ખોલ્યો નહોતો.
ડર હતો
કે અંદર ‘ના’ લખી હશે,
ને એથીય વધુ ડર
કે અંદર ‘હા’ લખી હશે,
ને મેં એ હા
મોડી વાંચી હશે.
આજે
તારી દીકરીના લગ્નની કંકોતરી આવી,
ત્યારે એ જૂનો પત્ર ખોલ્યો.
અંદર કશું લખ્યું નહોતું.
બસ, એક સૂકું ગુલમહોર.
આટલું તો માનું છું —
તું મારા કરતાં
વધારે બહાદુર હતી.
તેં તો કશું ન કહીને
બધું કહી દીધું હતું.
– પરાગ રતનપરા