સોનાના રસ્તા
ગામથી નીકળ્યો ત્યારે
માએ કહ્યું હતું:
‘મુંબઈના રસ્તા
સોનાના છે, બેટા.’
વીસ વરસ થયાં.
હું
એ જ રસ્તા પર
રોજ સવારે
ઝાડુ મારું છું.
સોનું તો
ક્યાંય દેખાયું નથી —
કચરો, ધૂળ,
ને ઉતાવળા પગ જ.
પણ
રોજ સવારે
પહેલો તડકો
એ જ રસ્તા પર
સોનેરી થઈને પથરાય છે,
ને એટલી ઘડી
મા
સાચી લાગે છે.
– પરાગ રતનપરા