સંતાકૂકડી
તમે તમારી આંખો મીંચો, હું સંતાઈ જાઉં,
એકથી સો ગણજો, પછી જોજો ક્યાં હું ઝલકાઉં!
આંબાની ડાળે ના સંતાઉં, ના ઢૂંકું કોઠાર,
હું તો બેસું તમારી જ પાંપણ પાછળ ધાર;
જ્યાં જ્યાં જુઓ, ત્યાં ત્યાં હું તો તમને દેખાઉં…
તમે તમારી…
તમે થાક્યા, ને બૂમ પાડી: ‘હવે હાર્યા, બહાર આવો!’
હું હસીને બોલી: ‘પહેલાં કાળજું તો ખોલાવો!’
ત્યાં જ હું સંતાઈ’તી, ને ત્યાં જ હું સમાઉં…
તમે તમારી…
પરાગ કહે: પ્રેમની રમતમાં હારે એ જ જીતે,
શોધનારો પોતે ખોવાય, એવી રીતે પ્રીતે;
આંખો ખોલો, તો ય હું તમારી આંખોમાં રહી જાઉં…
તમે તમારી…
– પરાગ રતનપરા