સંત
રોજ ફૂલો સીંચતો, ને ચૂપ, માળી સંત છે,
જે ગલી વાળે સવારે, ઝાડુવાળી સંત છે.
તોલમાં ઓછું ન દે, ને દે ઉપરથી ઝૂમખું,
‘લઈ જજો, પૈસા પછી,’ — એ શાકવાળી સંત છે.
મંચ પરનો સંત: હીરા, તાજ, ને ગાદી-રથો,
બ્હાર બેસી હાર ગૂંથે, ફૂલવાળી સંત છે.
ઠાર હો, વરસાદ હો, કે લૂ, ન ચૂકે એ કદી,
દ્વાર ખખડે રોજ, એ તો દૂધવાળી સંત છે.
આ પરાગે તીરથે ભટકી, પછી જાણ્યું ખરું,
મફત પાતી ગામને, એ છાશવાળી સંત છે.
– પરાગ રતનપરા
#ગઝલ #સંત #સામાન્યમાણસ #સેવા #માનવતા #પરાગરતનપરા
#GujaratiGhazal #EverydaySaints #SimpleFolk #Service #Humanity #ParagRatanpara