સંકટમોચન
ગામને પાદરે
હનુમાનજીની દેરી છે —
સિંદૂરથી લથપથ, તેલથી ચીકણી.
શનિવારે લોકો નાળિયેર વધેરે
ને હાથ જોડી માગે:
‘સંકટ હરો, દાદા!’
દેરીની બરાબર બાજુમાં
ગફૂરચાચાની પંક્ચરની દુકાન છે.
રાતના બે વાગ્યે
કોઈની ગાડી અટકે,
કોઈની દીકરી બસમાંથી મોડી ઊતરે,
કોઈનો બાપ છાતી પકડીને તરફડે —
તો ચાચા જ ઊઠે છે,
ફાનસ લઈ, ઉઘાડા પગે.
દેરીમાંના દાદા
સિંદૂરના થર નીચે
મરક મરક હસે છે —
એમને ખબર છે
કે એમનું કામ
રાતપાળીમાં
કોણ સંભાળી રહ્યું છે.
– પરાગ રતનપરા