સ્ક્રીન પર
ગામ, શેરી, ઓટલો, ને આંગણું છે સ્ક્રીન પર,
ઘર તણું આખું ય જાણે બારણું છે સ્ક્રીન પર.
હું અહીં ‘શિફ્ટો’ કરું, ત્યાં દીકરો મોટો થતો,
હાસ્ય, ઘૂઘર, ને જુઓ આ પારણું છે સ્ક્રીન પર.
ત્યાં દિવાળી, ત્યાં ઉજાણી, ગામ આખું ઝળહળે,
બર્ફની આ રાતમાં તો તાપણું છે સ્ક્રીન પર.
ભીંજતી માની નજર, ને મૌનમાં પૂછે સવાલ,
આંખમાં અટકેલ એ સંભારણું છે સ્ક્રીન પર.
ડાળથી છૂટી ગયો, પરદેશમાં ઊડ્યો ‘પરાગ’,
મ્હેકતું પણ માત્ર માનું ઓઢણું છે સ્ક્રીન પર.
– પરાગ રતનપરા
#ગઝલ #પરદેશ #વિડિયોકૉલ #મા #વતન #પરાગરતનપરા
#GujaratiGhazal #Diaspora #VideoCall #MissingHome #MothersShawl #ParagRatanpara