સિગ્નલ
સિગ્નલ લાલ થયું.
કારના કાચ પર ટકોરા —
એક છોકરો, હાથમાં મોગરાના ગજરા.
‘સાહેબ, દસ રૂપિયા.’
મેં કાચ ઊંચો કર્યો.
ડૅશબોર્ડ પરની ગણપતિની મૂર્તિ
ડોલતી રહી,
ને હું મંદિરે મોડો ન પડું
એની ચિંતામાં હતો.
મંદિરમાં
ભગવાનના ગળામાં
મોગરાનો એ જ ગજરો હતો —
કદાચ એ જ છોકરાએ વેચેલો.
પૂજારીએ કહ્યું: ‘પ્રભુ પ્રસન્ન થયા.’
મને ખબર નથી, કયા પ્રભુ —
જે ગજરો પહેરીને બેઠા હતા એ,
કે જે કાચની પેલે પાર
ગજરા લઈને
ઊભા રહી ગયા હતા એ.
– પરાગ રતનપરા