શ્યામ, રૂબરૂ આવ
શ્યામ, હવે તો રૂબરૂ આવ,
સપનાં, સંદેશા ને મૂરત — બસ, હવે ના ભરમાવ.
ગોપીઓ બોલી: ‘ઓધવ આવ્યા જ્ઞાન તણું લઈ પોટલું,
અમને તો બસ જોઈએ તારું હસતું મુખડું ભોળલું;
જ્ઞાન-ધ્યાનની વાતો મૂકો, વાંસળીનો સૂર સંભળાવ…’
શ્યામ, હવે તો…
મંદિરમાં તું પથ્થર થઈ બેઠો, શણગારે સોને,
ભૂખ્યો બાળક બારણે ઊભો, કોણ પૂછે છે એને?
એ બાળકને ખોળે લઈને, એક રોટલો ખવડાવ…
શ્યામ, હવે તો…
પરાગ કહે: તું રૂબરૂ આવે, એવી ક્યાં લાયકાત?
પણ તારી વાંસળી કહે છે ખાલીપાની વાત;
ખાલી થઈને બેઠો છું, તો આવી સૂર વહાવ…
શ્યામ, હવે તો…
– પરાગ રતનપરા