← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શ્યામ રંગ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

છોકરાવાળા આવ્યા.
ચા પીધી, ભજિયાં ખાધાં,
વાતો કરી વેપારની, વરસાદની, વંશની.

પછી
મારી દીકરીને
સાડીના પાલવથી પગની પાની સુધી
નજરના ત્રાજવે તોળી
અને ધીમેથી કહ્યું:
‘છોકરી તો ડાહી છે,
બસ… રંગ જરા શ્યામ છે.’

એ સાંજે
દીકરી અરીસા સામે
મોડે સુધી ઊભી રહી,
જાણે ચહેરા પરથી
કોઈ ડાઘ ભૂંસતી હોય.

અને હું
ઘરના મંદિરમાં
દીવો કરતાં વિચારતો રહ્યો:
જે ઘરોમાં
રોજ સવારે
શ્યામની આરતી ઊતરે છે,
ત્યાં પણ
શ્યામ રંગ
ઓછો કેમ પડે છે?

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઉજાગરોઆગલો લેખ →રમતારામ