શ્યામ છે
આંખમાં ને શ્વાસમાં બસ એક મારો શ્યામ છે,
ડૂબતાને ઝાલનારો તો સહારો શ્યામ છે.
ના હલેસાં, ના તરાપો, નાવ ના, તોફાન છે,
તોય ભવસાગર વચાળે આ કિનારો શ્યામ છે.
ઝાડ ડોલે, પાન ફરકે, કોઈ પંખી ગાય જ્યાં,
જાણજે, એ સૌ મહીં એનો ઇશારો શ્યામ છે.
દ્વારિકાનો રાજવી એ, ગોકુળે ગોવાળિયો,
ઝૂંપડીમાં પણ ભગતનો તો ઉતારો શ્યામ છે.
આ પરાગે ફૂલ-કાંટે, ધૂળમાં જોયું, અને
એકસરખો સર્વમાં, એ ખૂબ પ્યારો શ્યામ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #શ્યામ #ભક્તિ #કૃષ્ણ #શરણાગતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Krishna #Bhakti #DivineLove #Surrender #ParagRatanpara